આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ
‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં નવ કરોડ વૃક્ષોનું વાવેતર કરાયુ
દરેક નાગરિક પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પ કરે
:- વનમંત્રી મુકેશભાઈ પટેલ
ગોદાવાડી ગૌચરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું
માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાનની થીમ સાથે ૭૫મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા પણ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે ‘એક પેડ મા કે નામ’ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આહવાન કર્યું છે. દુનિયામાં ‘માતૃત્વ’, મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે, ત્યારે માતા પુત્રના પવિત્ર સંબંધ નિભાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં નવ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મેઘમહેર રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા અને વરસાદને ખેંચી લાવવા વૃક્ષો કારગત સાબિત થાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ અનિવાર્ય છે. પર્યાવરણ પર કલાઈમેટ ચેન્જની નકારાત્મક અસરો નિવારવા વધુ ને વધુ વૃક્ષારોપણ જરૂરી છે. હવે આપણે સમાજમાં નવો ચીલો ચિતરીએ કે દરેક નાગરિકે પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પબદ્ધ બને.
મંત્રીશ્રીએ સૌ નાગરિકોને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીઓએ અને મહાનુભાવોએ ગોદાવાડી ગૌચરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) શ્રી આનંદ કુમાર, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, તા. પંચાયત પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, જિ. પંચાયતના સભ્ય રોહિતભાઇ પટેલ, અગ્રણી ભાવનાબેન ચૌધરી, ફોરેસ્ટ અધિકારીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.