વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સમ્માન નિધિના શુક્લતીર્થના લાભાર્થી શ્રી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી કર્યો સંવાદ
તમારા જેવા મહેનતું યુવાનો ખેતી જેવા પરંપરાગત વ્યવસાયમાં જોડાય તે જ દેશના લાખો યુવાનો માટે પ્રેરણારૂપ: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી બીજા પાંચ ગામમાં જઈને લોકોને યોજનાકીય લાભ લેવાની પ્રેરણા આપવા શ્રી અલ્પેશભાઈ તથા તેમની દીકરી હેનીને પ્રોત્સાહિત કરતા વડાપ્રધાનશ્રી
કેન્દ્રીય કૃષિ વિભાગના નાયબ કમિશનરશ્રી સુધીર ભદોરિયાની પ્રેરક ઉપસ્થિતિ
ભરૂચ:શનિવાર: ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એવી પહેલના ભાગરૂપે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચના શુક્લતીર્થ ખાતે આવી પહોંચેલી “વિકસિત સંકલ્પ યાત્રા”નું ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુકલતીર્થ ગામના પી એમ કિસાન સમ્માન નિધિના લાભાર્થી શ્રી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમણે મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી.
વડાપ્રધાનશ્રી સાથેના સંવાદમાં શ્રી અલ્પેશભાઈ નિઝામાએ પોતાના પરિચય આપતા જણાવ્યું કે, પોતે ડિપ્લોમા ઇજનેરીની ડિગ્રી ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈ ખાતે નોકરી કરતા હતા, પરંતુ વડીલોપાર્જિત ૪૦ એકર જમીનમાં ખેતી કરવાના નિર્ધાર સાથે વતન પાછા ફરવાનું નક્કી કર્યું હતું. જ્યારે મુંબઇ છોડીને પોતાના વતન ભરૂચ પરત ફરવાના નિઝામાભાઈના નિર્ણયને આવકારતા વડાપ્રધાનશ્રી જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ તમારા વતનમાં રહીને જ ખેતી કરવાના નિર્ણયને દેશના યુવાઓ માટે પ્રેરણાનો સંદેશ મળશે.
વધુમાં અલ્પેશભાઈએ પોતાના ખેતીના વ્યવસાયમાં સરકારશ્રી તરફથી પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ટ્રેકટર તથા અન્ય સાધનિક ઓજારો મળ્યાની વાત વડાપ્રધાનશ્રીને કરતાં જણાવ્યું કે,મને કૃષિના વ્યવસાયમાં આત્મનિર્ભર બનવામાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓનો મોટો ફાળો છે અને આ લાભ ખૂબ જ સરળતાથી મળ્યો છે.
આ વાત સાંભળતા જ વડાપ્રધાનશ્રીને અલ્પેશભાઈ વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા પાંચ ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ યોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું
શ્રી અલ્પેશભાઈ સાથેના સંવાદ દરમિયાન તેમની દીકરીના મધુર હાસ્યથી પ્રભાવિત થઈને વડાપ્રધાનશ્રીએ તેનું નામ પૂછીને તેની સાથે વાર્તાલાપ કર્યો હતો.દીકરીએ સંવાદમાં પોતાનું નામ હેની નિઝામા કહ્યું ત્યારે દીકરીને પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે લોકોને જણાવવા કહ્યું અને ઉપસ્થિત લોકોને “ભારત માતાની જય” ના નારા લગાવવાની ગામનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી.આ પ્રસંગે શુક્લતીર્થની કન્યા શાળાની વિધાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ૨૫ જેટલા સ્ટોલનું પણ પ્રદર્શન ઉભુ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યોજનાકીય લાભોના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. વિવિધ વિભાગોના ૨૮ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના વરદહસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ ભારત સરકારના કૃષિ વિભાગના નાયબ કમિશનર શ્રી સુધીરભાઈ ભદોરિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર. જોષીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપીને ગ્રામજનોને કેન્દ્ર તથા રાજ્ય સરકાર ની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા,જિલ્લા અગ્રણી શ્રી મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી કે સ્વામી, નિવાસી અધિક કલેકટરશ્રી એન. આર. ધાધલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ, શુક્લતીર્થ ગામના સરપંચ-ઉપસરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.