ઝધડીયા તાલુકાના ખરચી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ
વિકસિત ભારતના સ્વપ્નને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આજની યુવા પેઢીએ ટેક્નિકલ શિક્ષણ મેળવવું જ જોઈએ : સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
ભરૂચ જિલ્લાનો કોઈપણ માનવી કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેયમંત્ર સાથે છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ઝધડીયા તાલુકાના ખરચી ગામે આવી પહોંચતા ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સંકલ્પ યાત્રા દરમિયાન ૨૨ જેટલી યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની, ટેબ્લો થકી પુરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે, મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આધુનિક સમયમાં વાલીઓએ પણ પોતાના બાળકોને સારામાં સારૂ શિક્ષણ મળે, પરંપરાગત પોષણક્ષમ આહાર આપી તંદુરસ્ત સમાજ નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવી જોઈએ.
વધુમાં, સાંસદશ્રીએ જણાવ્યું કે, લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ મહત્વનો પાયો છે. ભરૂચ જિલ્લાનું ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. ત્યારે વડાપ્રધાને જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આજની યુવા પેઢીએ ટેક્નિકલ શિક્ષણ મેળવવું જ જોઈએ. જેના થકી ભરૂચ જિલ્લામાં આવનારા સમયમાં મોટાં – મોટા ઉદ્યોગોમાં ટેકનિકલ માનવબળ જરૂરીયાત ઉભી થશે ત્યારે રોજગારી માટે ટ્રેડ કોર્સનો અભ્યાસ કરનારાને ખુબ લાભો થશે. એટલે જ સરકારની નેમ છે ‘હર હાથ કો કામ’ મળે તે માટે યુવા પેઢીનું ભાવિ ઉજ્જવળ બને તેવા હેતુથી કૌશલ્યવાન યુવાશકિતને કામ અને યોગ્ય તક આપવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. અને મહિલા સશક્તિકરણ અને શિક્ષણ પર ભાર મૂકી સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાન માટે મહિલાઓને શિક્ષણ, રોજગારી પૂરી પાડવા સરકાર કટિબંધ અને સંકલ્પબઘ્ધ છે. વધુમાં, પોષણ અને સ્વાસ્થ્યને મહત્વ આપી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પર ભાર મૂક્યો હતો. અંતે, પ્રાકૃતિક ખેતી અને મિલેટ ધાન્ય પાકોનો આહારમાં ઉપયોગ કરવાં અનુરોધ પણ કર્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા આંગણવાડી, આરોગ્ય, બેન્ક, આયુષ્યમાન કાર્ડ અને ઉજ્જવલા યોજના સહિત વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લઈને સાંસદશ્રીએ તમામ યોજનાઓના લાભની પાત્રતા ધરાવતા કોઈ પણ નાગરિક લાભથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સ્ટોલ્સના પ્રતિનિધિશ્રીઓને જણાવી અધિકારીઓએ તકેદારી રાખવા સૂચન કર્યું હતુ.
આ પ્રસંગે સરપંચ, ઝગડીયા મામલદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા-તાલુકા અને સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.