આરોગ્ય ટીમો ડોર ટુ ડોર તમામ સભ્યોની લેપ્રસીના શંકાજનક ચિહ્નોની તપાસ કરશે જે બદલ સહકાર આપવા આરોગ્ય વિભાગ, ભરૂચ દ્વારા અનુરોધ કરાયો
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેંદ્રસિંહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભરૂચ ખાતે રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ” અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૧૦/૦૬/૨૪ થી તા.૨૯/૦૬/૨૪ સુધી "રક્તપિત્ત દર્દી શોધ અભિયાન" આરંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઉપરાંત જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનિલભાઇ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એસ. દુલેરા, જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ. આર.આર.ઝા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મુનીરા શુક્લા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, લેપ્રસી વિભાગના તબીબી અધિકારીશ્રીઓ અને અર્બન હેલ્થ સેન્ટર ભોલાવના તબીબી અધિકારીશ્રી અને કર્મચારીઓ ની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી દ્વારા રક્તપિત્ત રોગ અને અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.
રકતપિત્તના આ લક્ષણો હોય તો તુરંત સંપર્ક કરવો
શરીર પર આછા ઝાંખા રતાશ પડતા ચાઠા, કિનારીવાળા ચાઠા, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથપગમાં સ્પર્શનો અભાવ, કાનની કિનારી અને ચહેરા ઉપર નાની ગાંઠો હોય તો રકતપિત્ત હોય શકે છે. બહુ ઔષધિય સારવારથી રકતપિત્ત ચોક્કસ મટી શકે છે. ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, રક્તપિત્ત પુર્વ જન્મના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી. કોઇપણ બાળક રકતપિત્ત રોગ સાથે જન્મતું નથી. રકતપિત્ત પુરુષ - સ્ત્રી. બાળક - યુવાન- વૃધ્ધ, ગરીબ-તવંગર કોઇને પણ થઇ શકે છે. પરંતુ તે કોઇપણ તબક્કે મટાડી શકાય છે. વહેલું નિદાન કરી નિયમિત અને પુરતી બહુઔષધીય સારવારથી તે વિના વિકૃતિએ ચોક્કસપણે મટી શકે છે. રકતપિત્તથી ગભરાવાની જરૂર નથી. રકતપિત્તના કારણે આવતી પંગુતા - વિકૃતિ દુર કરી શકાય છે. તેનું નિદાન તેમજ સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર તથા જનરલ હોસ્પિટલમાં વિનામુલ્યે થાય છે. રકતપિત્તના દર્દીઓને સન્માનપુર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરી સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર જ કરવો જોઇએ. આ રોગ અંગેની મદદ તેમજ યોગ્ય માર્ગદર્શન માટે જિલ્લા રકતપિત્ત અધિકારી ૦૨૬૪૨-૨૪૦૫૪૧નો સંપર્ક કરવો. તેમ જિલ્લા રક્તપિત્ત અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.