- ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા : ભાજપ પ્રદેશ પ્રમુખ
- ભાજપની જીતના ચાર આધાર સ્તંભો મોદી સાહેબ, અમિત શાહ, ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરો : સી.આર.પાટીલ
- ભરૂચ સ્વામી નારાયણ મંદિરે ભરૂચ લોકસભા બેઠક કાર્યકર સંમેલનમાં પ્રદેશ પ્રમુખે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું.
ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ વખતે આપ કે ઇન્ડિ ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું. તેની ચૂંટણી લડવાની ખો ભુલાવી, ડિપોઝીટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તક ને ઝડપી લઈ દેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું.
સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત, જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવી હતી. તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો 6 ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સી.આર. પાટીલે ગણાવ્યા હતા.
સાથે જ, જે તે સમયના કોંગ્રેસના દેશના મોટા લીડરને પણ ભરૂચ બેઠક છોડી દેવી પડી. તેઓ ચૂંટણી લડવાનું ભૂલી ગયા. એ માટે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોને અભિનંદન પણ આપ્યા હતા. ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા 30 થી 32 વર્ષથી ભરૂચ બેઠક જીતાડનાર ભાજપ કાયકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને તેઓ કોઈ કોઈ જગ્યાએ કાચું કાપો છો કહી 2022ની વિધાનસભામાં દેડિયાપાડા બેઠક યાદ અપાવી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 20 બેઠકો નજીવા તફાવતથી હારી હતી. જે માટે દરેક કાર્યકરને તેમાંથી બોધપાઠ લઈ પોતાને સોપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાંકલ કરી હતી.
પ્રદેશ પ્રમુખે પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહિ પણ લાકડા જેવા તેમના કાર્યકરોને ગણાવ્યા હતા. ભાજપની જીતના ચાર સ્તંભોમાં તેઓએ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરોને ગણાવી તેઓને વંદન સાથે અભિનંદન આપ્યા હતા.
લોકસભા 2024 ની ચૂંટણી વિશે વાત કરતા તેઓએ કાર્યકરોને કહ્યું હતું કે, આ વખતે ઇલેક્શન મોદી સાહેબનું છે એટલે મનસુખભાઈના મત 10 થી 15 ટકા વધી જશે. ગઠબંધનમાં બોહ ફૂદક ફૂદક કરનારની ડિપોઝીટ ડુલ કરાવવાની છે.
ભરૂચના કાર્યકરો માટે આ વખતે લીડનો રેકોર્ડ કરી શકે તેવી સ્થિતિ છે. આપ કે ઇન્ડિ ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર આ વખતે ભરૂચમાં છે. એની ખો ભુલાવી દેવા કાર્યકરોને જણાવી. નાની નાની ભૂલો અંગે પણ કાયકરોનું ધ્યાન દોરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્યો, શહેર, તાલુકા પ્રમુખો, આગેવાનો, કરજણ વિધાનસભાના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.